સાર્વજનિક હાઇસ્કૂલ - ભાટપુર
Sarvjanik Highschool - Bandharan Extra Content

બંધારણ

સાર્વજનિક કેળવણી મંડળ - ભાટપુર

(૮) સામાન્ય સભા અને તેની સતા અને ફરજો
સામાન્ય સભા કાયમી સભ્યો, આજીવન સભ્યો અને સામાન્ય સભ્યોની બનેલી રહેશે. મંડળની સર્વ સત્તાઓ સામાન્ય સભાના કાબું હેઠળ હશે.

૧. સંસ્થાના સામાન્ય વહીવટમાં ગયા વર્ષનો કારોબારીએ પસાર કરેલો અહેવાલ અને હિસાબ મંજુર કરવો.

૨. મંડળની અસ્કયામતો અને ફંડોની વ્યવસ્થા કરવી.

૩.બંધારણના નિયમોમાં યોગ્ય કારણો હોય તો ફેરફાર કરવો, સુધારો કરવો.

૪.આવતા વર્ષનું કારોબારીનો તૈયાર કરેલ અંદાજ પત્રક મંજુર કરવું.

૫.સભ્યોએ રજુ કરેલ પ્રશ્નો પર ચર્ચા કરી બંધારણ અનુસાર યોગ્ય નિર્ણયો લેવા.

૬. મંડળના હેતુઓ અને ધ્યેય સિધ્ધી થાય તે પ્રમાણે કામ કરવાનું રહેશે.

૭. કારોબારી અને બીજી સમિતિઓ સામાન્ય સભાના કાબુ હેઠળ રહેશે અને સામાન્ય સભાએ લીધેલા નિર્ણયો તેમને બંધન કર્તા છે. સદર સભા જરૂરી કમિટિઓ નીમાશે.

૮. મંડળ હસ્તકની સ્થાવર મિલ્કત વેચવી, અદલબદલ કરવી, ભાડે આપવી કે બીજી વ્યવસ્થા કરવી હોય તો ૨/૩, બહુમતીથી થઈ શકશે. આ અંગે એક માસ અગાઉ દરેક સભ્યને ખબર આપવી જોઈશે.

૯. સામાન્ય સભા કારોબારી અને ઓડીટરની ચૂંટણી  કરશે.

૧૦. શરતી દાન સ્વીકારવું કે કેમ તે સામાન્ય સભા નક્કી કરશે.

(૯) સામા.સભ્યોની કાર્યવાહીની પધ્ધતી-

૧. સામાન્ય સભાના કુલ સભ્યોને ૨/૩ સભ્યો જેટલી સંખ્યાના સભ્યોને હાજરી સભાના કામકાજ માટે જરૂરી ગણાશે અને આથી ઓછી હાજરી હશે તો કોરમના અભાવે મુલત્વી રહેલી સભા અડધા કલાક બાદ તે દિવસે તે સ્થળે મળશે અને જે તે કાર્ય કરશે આવી મુલત્વી રાખેલી સભામાં કોરમનું ધોરણ સ્વીકારવામાં આવશે નહીં અને આવી કોરમ વગરની સભામાં એજન્ડા શિવાયના પ્રશ્નો અંગેના નિર્ણયો થઈ શકશે નહી તેમજ બંધારણમાં ફેરફાર કરી શકશે નહી. એજન્ડામાં લખેલા પ્રશ્નો અંગેના નિર્ણયો કાયદેસરના ગણાશે.

૨. સામાન્યસભા ઓછામાં ઓછી એકવાર મળશે સામાન્ય રીતે તે મે માસના બીજા અઠવાડિયા સુધીમાં મળશે. મંત્રીએ સામાન્ય સભા બોલાવવાની વ્યવસ્થા કરવી.

૩. બહુમતી સભ્યોની લેખિત વિનંતીથી ખાસ માન્ય સભા પ્રમુખ બોલાવશે. આવી સભા એક માસમાં સમયસર ન બોલાવે તો બહુમતી સભ્યોની સહીથી બહુમતી સભ્યો સામાન્ય સભા બોલાવશે અને તેમાં કરેલા નિયમ (૨૨) સિવાયની બાબતના એજન્ડા પ્રમાણેના ઠરાવો કાયદેસરના ગણાશે.

૪.  સામાન્ય સભા માટે સાત દિવસ અગાઉ દરેક સભ્યને સભાનો સમય, સ્થળ અને કામકાજની માહિતીની સુચના કાઢીને ખબર આપવામાં આવશે. સામાન્ય સભાની જાહેરાત ગામમાં જાહેર સ્થળે મુકવી. બહારગામ રહેતા સભ્યોને પોસ્ટથી ખબર આપવી.

૫. કારોબારીના પ્રમુખ સામાન્ય સભાના પ્રમુખ રહેશે અને સભાનું કામકાજ ચલાવશે. કોઈ પ્રશ્ન પર સરખા મત થાય તો પ્રમુખને કાસ્ટીંગ વોટ આપવાની છુટ છે.

૬. કારોબારીના પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ પ્રમુખ તરીકે ફરજ બજાવશે અને બંનેની ગેરહાજરીમાં સામાન્ય સભા પુરતા હાજર સભ્યોમાંથી કામચલાઉ પ્રમુખ ચૂંટી કાઢશે અને સદર કામચલાઉ પ્રમુખ સભાનું કામકાજ ચલાવશે.

૭. કોઈ પ્રશ્ન પર દરેક સભ્ય એક મત આપી શકશે.

૮. કોઈ પ્રશ્ન પર સરખા મત થાય તો પ્રમુખ એક વધારે મત આપી શકશે.

૯. સભામાં કરેલા ઠરાવો બુકમાં લખવામાં આવશે અને તેમાં પ્રમુખની સહી થશે.

૧૦. કોઈ દરખાસ્ત કાયદેસર કે યોગ્ય છે કે નહિ તે પ્રમુખ નક્કી કરશે.

(૧૧) કારોબારીની રચના-

૧. આ મંડળના કાયમી સભ્યોમાંથી વધુમાં વધુ ચાર, આજીવન સભ્યોમાંથી વધુમાં વધુ ચાર અને સામાન્ય સભ્યોમાંથી વધુમાં વધુ સાત મળીને કુલ વધુમાં વધુ પંદર અને ઓછામાં ઓછા સાત સભ્યોની કારોબારી રહેશે ઓડીટર, એક્ષ ઓફીસરો, સભ્ય (મેમ્બર) ગણાશે.

૨. ઉપર મુજબ કારોબારીના સભ્યોની વિભાગવાર ચૂંટણી સામાન્ય સભા કરશે. ટ્રસ્ટી તરીકે રહેવાની ઈચ્છાવાળા સભ્યો જ ચુંટણીમાં ઉભા રહી શકશે. સામાન્ય રીતે મે માસમાં ચૂંટણી થશે.

૩. ચૂંટાયેલ કારોબારીના દિવસે પરિણામ જાહેર થયા પછી તરત જ મળશે અને કારોબારીમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રી વગેરે હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવશે. તે માટે કારોબારીની દરેક વ્યકિત દરેક હોદ્દા માટે એક મત આપી શકશે.

૪. સરખા મત મળે તો ચીઠ્ઠી નાખતાં જીતનાર ઉમેદવાર ચૂટાયેલો જાહેર થશે.

૫. ચૂંટણી અંગે કોઈ મતભેદ પડે તો કારોબારી તેનો નિકાલ લવાદ દ્રારા બે દિવસમાં કરશે અને તે દરેકને માન્ય રહેશે.

૬. પ્રમુખની દેખરેખ હેઠળ ચૂંટણી થશે.

૭. કોઈ કારણસર સાત સભ્યોથી ઓછા સભ્યો થાય તો સાત દિવસ અગાઉ ખબર આપીને ચૂંટણી કરવી.

૮. દર બે વર્ષે નવી કારોબારી ની ચૂંટણી  થશે. પણ કોઈ કારણસર અધવચ્ચે કોઈ સભ્ય અથવા સભ્યો છુટા થાય તો ચૂંટણી કરવાનું યોગ્ય લાગે તો સાત દિવસ અગાઉ  જાણ કરીને ૧૫ દિવસમાં વચગાળાની ચૂંટણી સામાન્ય સભા કરી શકશે.

૯. કોઈ હોદેદાર રાજીનામું આપે તો કારોબારીએ તેના પર વિચારણા કરી રાજીનામું મંજુર કર્યા પછી સાત દિવસ અગાઉ જાણ કરીને પંદર દિવસમાં કારોબારીના હોદેદારોની ચૂંટણી કરવી.

૧૦. પાછલી કારોબારીમાં નવી કારોબારી ચૂંટણીની તારીખ, સ્થળ, અને સમય નકકી થશે અને તે માટે ગામમાં જાહેર સ્થળે ચૂંટણીની તારીખના સાત દિવસ અગાઉ જાહેરાત મુકવી. બહારગામ રહેનાર સભ્યને પોસ્ટથી ખબર આપવામાં આવશે.

૧૧. કારોબારીના દરેક સભ્ય અને હોદેદારો બે વર્ષ માટે કારોબારીના સભ્ય અને હોદેદારો તરીકે ચાલું રહેશે અને નવી કારોબારી થતા સુધી ફરજો બજાવશે સામાન્ય સંજોગોમાં બે વર્ષ પછી ચૂંટણી થશે અને તેઓ ફરીથી ચૂટાવા લાયક ગણાશે.

૧૧. કારોબારીની સભાની કાર્યવાહીની પધ્ધતિ-

૧. કુલ સભ્યોના ૨/૩ સભ્યોની હાજરીથી કોરમ થયેલું ગણાશે અને સભાનું કામકાજ થશે. કોરમ ન થાય તો સામાન્ય સભાની કાર્યવાહીની પધ્ધતિની કલમ(૧) એટલે કે નિયમ ૯ ની કલમ-૧ પ્રમાણે કાર્યવાહી કરવી.

૨. દર ત્રણ માસે ઓછામાં ઓછી એકવાર કારોબારીની સભા મળશે તેમ ન થાય તો બહુમતિ સભ્યોની લેખિત વિનંતી થી પાંચ દિવસમાં પ્રમુખ કારોબારી બોલાવશે. જો તેમ ન થાય તો બહુમતિ સભ્યોની સહીથી  બહુમતી સભ્યો કારોબારી બોલાવશે અને તેમાં કરેલા ઠરાવો કાયદેસર ગણાશે.

૩. કારોબારીની સભાની ખબર મંત્રીએ લેખિત સુચના દ્રારા ઓછામાં ઓછા પાંચ દિવસ અગાઉ કરવી. બહારગામ રહેનાર સભ્યને પોસ્ટથી ખબર આપવી. જરૂર પડે તો પ્રમુખની સુચનાથી પણ કારોબારી બોલાવવી.

૪. એજન્ડા સિવાયની બાબત અંગે કોરમ થયેલી સભામાં કોઈપણ સભ્ય લેખિત વિનંતીથી કોઈ પ્રશ્ન ચર્ચા માટે મુકી શકશે અને તેને લેખિત ટેકો હશે તો પ્રમુખની મંજુરીથી તે અંગે ચર્ચા થઈ શકશે અને પછી બહુમતીથી યોગ્ય નિર્ણય લઈ શકશે.

૫. પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ પ્રમુખ તરીકેની ફરજો અદા કરશે. આ બંને ગેરહાજર હશે તો તે સભા પુરતા કારોબારીમાંથી કામચલાઉ પ્રમુખ ચુંટી કાઢવામાં આવશે. કોઈ પ્રશ્ન પર સરખા મત થાય તો પ્રમુખ એક વધારાનો મત આપી શકશે.

૬. સભામાં કરેલ ઠરાવો ઠરાવબુકમાં લખવામાં આવશે અને તેમાં હાજર દરેક હોદેદાર સહીઓ કરશે.

૭. કોઈ દરખાસ્ત કાયદેસર છે કે નહિ તે પ્રમુખ નક્કી કરશે.

(૧૨) કારોબારીની ફરજો અને સત્તા.

૧. નવી કારોબારી ચુટાતા સુધી સંસ્થાઓનો વહીવટ કરવાનો રહેશે.

૨. સંસ્થાઓ માટે ફંડફાળા ઉઘરાવવામાં મદદ કરશે.

૩. સંસ્થાઓના વહીવટી કામમાં વધુમતિથી કામ કરવાનું રહેશે પણ સંસ્થાઓના અહિતમાં વધુમતિ કામ લાગશે નહિ.

૪. સામાન્ય સભાએ કરેલા નિર્ણયોના યોગ્ય અમલ માટે કારોબારી સભા જવાબદાર રહેશે.

૫. સંસ્થાઓના વહીવટ કામ તે અંગે ઉભા થતા પ્રશ્નોના નિકાલ અને તેના યોગ્ય અમલ માટે કારોબારીના સભ્યો જવાબદાર ગણાશે.

૬. કારોબારીનો દરેક સભ્ય પોતાના કામ માટે સામાન્ય સભાને જવાબદાર રહેશે.

૭. કોઈપણ પ્રકારનું દાન કે લવાજમ અથવા કોઈપણ પ્રકારની મદદ સ્વીકારવાનો કે નસ્વીકારવાનો અધિકાર કારોબારીનો છે.

૮. મંડળની સંસ્થાઓનો વહીવટ ચલાવવો અને મંડળનું બજેટ તૈયાર કરવું. સામાન્ય સભાઓમાં મંજુર કરવા મુકવું અને તે પ્રમાણે વહીવટ કરવો.

૯. આ મંડળને હસ્તક સંસ્થાઓના ટ્રસ્ટ ફંડો, સ્થાયી અને ચાલું ભંડોળ આ કારોબારીના હસ્તક રહેશે અને તે મંડળના નામે પોસ્ટ અથવા કોઈ બેંકમાં જમા મુકાશે અને તેવા ખર્ચોની લેવડ દેવડ પ્રમુખ અને મંત્રી બંનેની સહીથી કરી શકાશે.

૧૦. સંસ્થાઓના શૈક્ષણિક અને વહીવટી કામની તપાસ કરશે જરૂરી ફેરફાર અંગે સુચનો કરશે અને તેનો યોગ્ય અમલ થાય છે કે નહિ તે જોશે.

૧૧. કારોબારીની ચૂંટણીની તારીખ અને સ્થળ અને સમય નક્કી કરીને તેની જાહેરાત કરશે.

૧૨. દર વર્ષે ભરાતી સામાન્ય સભાની તારીખ, સ્થળ અને સમય નક્કી કરશે અને તેની જાહેરાત કરશે.

૧૩. મંડળના ઉદ્દેશો અને ધ્યેયને ખ્યાલમાં રાખીને સંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરશે અને તેમાં મદદ કરી સહકાર આપશે. સદર પ્રવૃત્તિઓ માટે મંડળના સભ્યોનો સહકાર લેશે.

૧૪. નવા હોદેદારો નિવૃત્ત થતાં હોદેદારો પાસેથી પોતાએ લેવાના હિસાબો, દફતરો, અસ્કયામતો, મંડળની મિલકતો વિગેરે પુરી તપાસ  કરીને લેવા અને અધિકારના સમય દરમ્યાન તેને માટે તેઓ જવાબદાર ગણાશે, જુના હોદેદારોએ સઘળો વહિવટ ચુટણી થયા પછી તરત જ નવા હોદેદારોને આપી દેવો.

૧૫. આ મંડળને હસ્તક ચાલતી સંસ્થાઓના અને મંડળના હિસાબ ચોપડા અને અન્ય દફતરો જોઈ શકશે. સંસ્થાઓના કોઈપણ વિભાગનું નિરીક્ષણ કરવા કારોબારીમાંથી કમિટી નીમશે.

૧૬. મંડળ હસ્તક ચાલતી સંસ્થાઓના બજેટ મંજુર કરવા

૧૭. સંસ્થાઓના કર્મચારીઓની નિમણુક કરવી, બઢતી આપવી તેમના રાજીનામાં સ્વીકારવા, મંજુર કરવા, છુટા કરવા, શિક્ષા કરવી તેમજ અન્ય બાબતો અંગે સરકારી ધારા ધોરણ પ્રમાણે નિર્ણયો લઈ શકશે, સદર બાબતો માટે શાળા સમિતિના સુચનો ધ્યાનમાં લેવા આ ઉપરાંત કર્મચારીઓની શિસ્ત અને વર્તણુંક અંગેના નિયમો ઘડશે.

૧૮. કોઈ સભ્ય પ્રમુખ, મંત્રી કે અન્ય સભ્ય સાથે અવિવેક કરે તો પ્રમુખ ઠપકાની દરખાસ્ત સભા સમક્ષ મુકવી અને સભા તે દરખાસ્ત બહુમતિથી પસાર કરશે.

૧૯. મંડળ અને સંસ્થાઓના હિત માટે મંડળ અને સંસ્થાઓના કામો અંગે કોઈ તકરાર હોય તો તે માટે કાયદેસર વ્યવસ્થા કરી શકશે.

(૧૩) કારોબારી સભ્ય તરીકે છુટા થવું-

૧. કારોબારીનો સભ્ય રાજીનામુ આપી રાજીનામુ મંજુર થયા પછી છુટો થયેલો ગણાશે. રાજીનામું મંજુર થતા સુધી પોતાની ફરજોને માટે તે જવાબદાર ગણાશે.

૨. કોઈ કારોબારી સભ્યનું મૃત્યુ થાય, તેને ગાંડપણ થાય, તો તેનું સભ્યપદ આપોઆપ રદ થયેલું ગણાશે, તેમજ પરવાનગી વિના કારોબારીની સભામાં સતત ત્રણ વખત ગેરહાજર રહેનાર સભ્યને કારોબારીના સભ્યપદેથી દુર કરી શકાશે. ભાટપુર ગામની બહાર રહેવાના કારણો વ્યાજબી લાગે તો તે ચાલું રહેશે.

(૧૪) શાળા સમિતિ- પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ અને સહમંત્રી અને મંડળના ગ્રેજયુએટ સભ્યોમાંથી બે કેળવણીકાર સભ્યો એ રીતે છ સભ્યી બનેલી રહેશે. હોદેદારો સિવાયના સભ્યો કારોબારીના એક્ષ ઓફિસરો સભ્યો ગણાશે. આવા સભ્યો કારોબારી મળી શકતા હોય તો કારોબારી સિવાયના સભ્યોમાંથી પસંદગી કરવી નહીં, સદર કાર્યવાહી સામાન્ય સભા કરશે, કારોબારીના પ્રમુખ, શાળા સમિતિના પ્રમુખ રહેશે.

શાળા સમિતિની ફરજો-

૧. કર્મચારીઓની નિમણુક, ફરજો, બઢતી આપવી, છુટા કરવા વિ, અંગે સલાહ સુચનો કારોબારીને આપવા.

૨. શાળાઓના શૈક્ષણિક અને વહીવટી કાર્યનું નિરીક્ષણ કરવુ અને તેનો અહેવાલ કારોબારીને આપવો.

૩. શાળાની ઉન્નતિ થાય તેવા પ્રયત્નો કરવા.

(૧૫) પ્રમુખની ફરજો અને સત્તા-

૧. જયારે ખાસ જરૂર જણાય ત્યારે સામાન્ય સભા અને કારોબારીની સભા બોલાવશે અને શાળા સમિતિની સભા બોલાવશે.

૨ મંત્રી, સહમંત્રી, ઉપપ્રમુખ વિના કામ પર દેખરેખ રાખશે અને તેમના રાજીનામાં સ્વીકારશે.

૩. મંડળ હસ્તકની સંસ્થાઓ અને કર્મચારીઓના કામનું નિરીક્ષણ કરશે. સંસ્થા તથા મંડળના હિસાબો, દફતર  વિ. જોઈ શકશે, જરૂરી ફેરફાર અંગે સુચનો કરશે અને તેનો યોગ્ય અમલ થાય છે કે નહિ તે જોશે. સંસ્થાઓના હિત બાબત પત્રવ્યવહાર કરી શકશે.

૪. ચુંટણીનું સંચાલન કરશે.

૫. બહુમતી સભ્યોની લેખિત વિનંતીથી ખાસ સામાન્ય સભા અને કારોબારી બંધારણના નિયમો પ્રમાણે બોલાવશે.

૬. મંડળના હિસાબો અને દફતરો તપાસી શકશે.

(૧૬) ઉપપ્રમુખ- પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ ઉપરની તમામ ફરજો બજાવશે.

(૧૭) મંત્રીની ફરજો-

૧. સભાઓ બોલાવવી, સામાન્ય સભા તથા કારોબારી ના ઠરાવોનો અમલ કરવો, મંડળના આવક જાવકના હિસાબો રાખવા, સંસ્થાઓના હિત બાબત પત્રવ્યવહાર ચલાવવો અને તેમની દરેક સુચનાઓ ધ્યાનમાં રાખી પ્રમાણિકપણે વહીવટ કરવો, સરકારી ઠરાવો, પરિપત્રો તથા સંસ્થાઓના કર્મચારીઓની કામગીરી અંગે કારોબારી અને સામાન્ય સભાને વાકેફ રાખીને યોગ્ય ઠરાવો કરાવીને અમલ કરવો.

૨. સંસ્થાઓના વહીવટનું કામકાજ કરવાનું રહેશે.

૩. સંસ્થાઓના હિસાબો, દફતરો વગેરે તપાસના રહેશે.

૪. સુચનાઓ કાઢી કારોબારી તેમજ સામાન્ય સભા અને અન્ય સમિતિઓની સભા બોલાવવાની રહેશે.

૫. સભાઓમાં વાર્ષિક અહેવાલ તથા પાછલી સભાની કાર્યવાહી રજુ કરવાની રહેશે.

૬. પ્રમુખને દરેક પત્ર વ્યવહારથી વાકેફ રાખવા

૭. મંડળ તથા સંસ્થાઓના કર્મચારીઓની કામગીરીની દેખરેખ રાખશે. સંસ્થાઓના શૈક્ષણિક અને વહીવટી  કામની તપાસ વર્ષમાં ઓછામાં ઓછા ચાર વખત એટલે કે દર ત્રણ માસે કરશે. જરૂરી ફેરફાર અંગે સુચનો કરશે અને તેમાં યોગ્ય અમલ થાય છે કે નહિ તે જોશે. તેમની કરેલી આ કામગીરી કારોબારીમાં મુકવી.

૮. મંડળનું બજેટ તૈયાર કરશે અને કારોબારીમાં રજુ કરશે અને સામાન્ય સભામાં મંજુર કરવા મુકવું.

૯. મંડળનું સઘળું દફતર રાખવું અને સભાના ઠરાવ અને અહેવાલની યથાર્થ અને સ્વચ્છ નોંધ રાખવી.

૧૦. મંડળ અને તેની સંસ્થાઓના આવક જાવકના સરવૈયા તૈયાર કરશે અને કારોબારીમાં મંજુર કરાવીને સામાન્ય સભામાં મંજુર કરવા મુકશે.

૧૧. મંડળવતી એકઠા થયેલ નાણા અને સભ્ય ફી લઈ પાવતી આપશે. મંત્રીએ રૂ.૨૫૦, થી વધારે સિલ્લક હાથ ઉપર રાખવી નહિ તેથી વધારાની રકમ કારોબારીએ નક્કી કરેલ બેંક અથવા પોષ્ટમાં મંડળના નામે જમા મૂકશે.

૧૨. બધા વાઉચરો ઉપર મંત્રી સહી કરશે.

૧૩. મંડળના સભ્યોમાંથી મંડળે નીમેલા ઓડીટર પાસે જે તે વર્ષના હિસાબ ઓડીટ કરાવ્યા બાદ રજીસ્ટર્ડ ઓડીચર પાસે સામાન્ય સભા થતાં પહેલાં ઓડીટ કરાવવા.

૧૪. મંડળના હિસાબો કારોબારી અને સામાન્ય સભામાં મંજુર કરાવવા અને મંડળના ઓડીટર અને રજીસ્ટર્ડ ઓડીટરે કરેલા રીપોર્ટ આ બંને સભામાં મુકવા.

૧૫. મંડળના બજેટ પ્રમાણે ખર્ચ કરી શકાશે. આ ઉપરાંત રૂ.૧૦૦/- સુધીનો ખર્ચ કારોબારીની મંજુરીની અપેક્ષાએ મંડળના હેતુઓ માટે કરી શકશે અને આ શરતે પ્રમુખની પરવાનગીથી રૂ.૨૫૦/-સુધી ખર્ચ કરી શકશે.

૧૬. મંડળના સિલકી સામાન અને અન્ય વસ્તુઓનું ડેડસ્ટોક રજીસ્ટર રાખશે  અને આ વસ્તુઓની કાળજી રાખશે.

૧૭. બીજા મંત્રીની ચુંટણી થતા સુધી ચાલુ મંત્રીએ મંડળનું કામકાજ કરવાનું રહેશે. નવા મંત્રીને બધી વસ્તુઓ, દફતરો વગેરેનો હવાલો લેખિત આપવો જોઈશે.

(૧૮) સહમંત્રીની ફરજો.

૧. મંત્રીની ગેરહાજરીમાં મંત્રીની બધી ફરજો બજાવશે.

૨. મંત્રીના રોજીંદા કાર્યમાં સહમંત્રી, મંત્રીને મદદ કરશે.

(૧૯) ઓડિટરની નિમણુક અને ફરજો-

૧. સામાન્ય સભામાં ચુટણી કરીને મંડળના સભ્યોમાંથી ઓડિટર નિમશે.

૨. દર ત્રણ માસે મંડળનો હિસાબ, નાણા અને મિલ્કતની તપાસ વાઉચરો સાથે ચકાસણી કરીને કરશે. હિસાબમાં કોઈ ભૂલ હોય તો તે બાબત અંગે મંત્રીનું ધ્યાન દોરશે. તેની સહીથી હિસાબ ખરો હોવાનું જણાવશે.

(૨૦) મિલ્કત અને ભંડોળ-

૧. મંડળની બધી મિલ્કત અને ફંડ મંડળની માલિકીના ગણાશે. કોઈપણ વ્યકિતને તેના ઉપર માલિક તરીકેનો કોઈ પ્રકારનો હક્ક રહેશે નહી.

૨. મંડળની સઘળી મિલ્કત કારોબારીના સભ્યોના નામ પર રહેશે અને તેઓ સદર મિલ્કતના ટ્રસ્ટીઓ કહેવાશે.

૩. મંડળ અથવા તેના હસ્તકની સંસ્થાઓ બંધ થાય તો તેની સઘળી મિલ્કતની વ્યવસ્થા ૨/૩ સભ્યોની બહુમતીથી કરવી.

(૨૧) અન્ય જવાબદારીઓ-

કોઈપણ સભ્ય, કારોબારી સભ્ય અથવા કર્મચારી મંડળના નિયમોને આધીન રહીને ફરજો બજાવતાં મંડળની મિલકતને કાબુ બહારના સંજોગો હેઠળ આકસ્મિક નુકશાન થાય તો તે વ્યકિત વ્યકિતગત રીતે નુકશાન માટે જવાબદાર નથી.

(૨૨) બંધારણમાં સુધારો કરવા બાબત-

બંધારણમાં ફેરફાર કે સુધારો કરવા બાબતની દરેક સભ્યને એક માસ અગાઉ સામાન્ય સભાની તારીખ, સમય અને સ્થળની ખબર આપવી અને આવી સામાન્ય સભામાં મંડળના કુલ ૨/૩ સભ્યો જેટલી સંખ્યાની બહુમતીથી બંધારણમાં સુધારો કે ફેરફાર થઈ શકશે પરંતુ નિયમ ૧૦(૧)માં જણાવ્યા પ્રમાણે સભ્યોના પ્રકારમાં કારોબારીના સભ્યો માટે નિયત કરેલ વિગતવાર સંખ્યાથી ઓછી સંખ્યા કરી શકાશે નહી. કે કોઇ વિભાગ બંધ થઈ શકશે નહિ.

ભાટપુર.તા. ૨૬.૦૫.’૮૦


Go Back